ગુરૂકુલ સ્થાપનનો હેતુ
       ભગવાન અને એમના સંતોનો હંમેશા એક જ આગ્રહ હોય છે કે આપણે મંદિરો તો ઘણા કરીએ છીએ પરંતુ એ બધા સ્થિર મંદિરો છે, સ્થાવરતીર્થ છે. લૌકિક દ્રષ્ટિએ મંદિરનો અર્થ એવો છે કે જયાં ભગવાન બિરાજે એ મંદિર, પરંતું વર્તમાનકાળે ચૈતન્ય મંદિરોની સમાજને તથા સત્સંગને ખૂબ જરૂર છે. ચૈતન્ય મંદિરનો અર્થ બહુ ગહન છે તેમ છતાં એને ટૂંકમાં સમજીએ તો હાલતા - ચાલતા મંદિરો એટલે જ ચૈતન્ય મંદિર. આવા ચૈતન્ય મંદિરોનું નિર્માણ બાળકોમાં થવું એ બહુ જરૂરી છે. કારણ કે, આજના બાળકો એ આવતી કાલે દેશના, સમાજના ઘડવૈયા છે. એ જ બાળકો સમાજના અને સત્સંગના અવિચળ સ્તંભ સમાન છે. એ જ બાળકો સત્સંગની મૂડી સમાન છે.
       આ બાળકો એ કોરા કાગળ જેવા અને કોરી સ્લેટ જેવા છે એમાં જેવું લખવું હોય તેવું લખી શકાય છે. બાળકોનું જીવન ઊચ્ચ સંસ્કારો અને કલ્યાણકારી ગુણોયુકત બને અને એક સુંદર એવો બાળકોનો દિવ્યજીવન જીવતો સમાજ ઊભો થાય એ માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તારીખ ૯-૬-૨૦૦૨ને રવિવારના રોજ આ સ્વામિનારાયણ ધામ ગુરૂકુલની સ્થાપના કરી છે.
       મોટાપુરુષના સંકલ્પો બહુ ભવ્ય હોય છે. પ.પૂ.બાપજીએ એવો સંકલ્પ કર્યો છે કે અહીં જે કોઇ બાળકો દાખલ થાય, એ બાળકોમાં ભણતરની સાથે સાથે એને ભગવાન પણ આપી દેવા છે એ બાળકને એવા સંસ્કારો આપી દેવા છે કે જેથી કરીને એનું આખું જીવન દિવ્ય, પ્રભુમય બની રહે. બાળકોનું જીવન આદર્શ સંસ્કરોથી મધમધતું રહે અને એ પોતાના જીવનના પરિવર્તન સાથે સાથે અનેકના જીવનનું પણ પરિવર્તન કરી શકે એવી એનામાં શકિત પ્રદાન થાય એવા સ્પષ્ટ હેતુથી જ આ ગુરૂકુલની સ્થાપના થઇ છે. આ ગુરૂકુલમાં ખાસ કરીને બાળકોમાં નિતિમત્તાના મુલ્યો વધુ દૃઢ થાય અને આજના કલુષિત વાતાવરણની અંદર આજે બાળકો અને કિશોરમાં જે વિષય, વ્યસન અને વ્હેમ જેવી મોટી બદીઓ જોવા મળે છે એ બદીઓમાંથી એ તરુણ અવસ્થાથી જ સંપૂર્ણપણે બહાર નીકળી જાય અને નૈતિકતાના આદર્શ મુલ્યો ઊપર એ પોતાનું જીવન બનાવી શકે આવા ઊચ્ચત્તમ હેતુઓને સિધ્ધ કરવા માટે જ આ ગુરૂકુલની સ્થાપના કરવામાં આવી છે.
       શિક્ષણની ગુણવત્તા તો સચવાય પરંતુ આજે જયારે સંસ્કારોની ખૂબ જરૂરિયાત છે. ત્યારે એ બાળક સંસ્કારોથી ભીંજાયેલો રહે કે જેથી એ આવતી કાલનો યુવાન બને ત્યારે એના જીવનમાં પ્રાપ્ત થનાર નવી પેઢીનું પણ એ એવી જ રીતે ઘડતર કરી સુંદર માર્ગ કંડારી શકે એવા ઊચ્ચ આદર્શો આ ગુરૂકુલની સ્થાપનાનો મુખ્ય સ્ત્રોત બની રહ્યા છે. ગુરૂકુલ એ માત્ર બિલ્ડીંગ નથી પરંતુ એ દિવ્ય સંકુલમાં રહી બાળકોના જીવનનું સુંદર ઘડતર થઇ રહ્યું છે. પ.પૂ.બાપજીના આદર્શો મુજબ પૂ.સંતો આ બાળકોને તૈયાર કરી રહ્યા છે.
       બાળકોના જીવનની સવારથી રાત્રી સુધીની તમામ ક્રિયાઓ પ્રભુમય અને સંસ્કારી બની રહે તથા મા-બાપ તથા વડીલો પ્રત્યેનો આદર વધે અને સંપ-સુહૃદયભાવ-એકતા ભર્યું વાતાવરણ સર્જે તથા સાચુ બોલવું, સાચુ કરવું જેવા આદર્શો બાળકના જીવનમાં રેડી એના જીવનને સંસ્કારોની મૂર્તિ સમાન બનાવવામાં આવે છે. બાળકોના જીવનને સંસ્કારોથી મધમધતું કરવામાં પૂ.સંતોનો અને ગૃહપતિ સાહેબોનો અવિરત દાખડો છે. બસ, એક જ સંકલ્પથી આગળ વધી રહ્યા છીએ કે બિચારા કોઇ ગરીબ, મધ્યમવર્ગના બાળકો હોય કે જે ભણી શકતા ન હોય એને પણ પોષાય એવી ફીની અંદર એ અહીં રહી શકે અને સુંદર સાત્વિક ભોજન લઇ શકે તથા સંસ્કારો પ્રાપ્ત કરી સમાજમાં અને દેશ માટે પણ ખૂબ ઊપયોગી બની શકે એવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ગુરૂકુલ ચલાવવા પાછળ કોઇ જ પ્રોફેશનલ હેતુ નથી. અનેક બાળકો પોતાના મુલ્યોને પોતામાં રહેલી શકિતઓને બહાર લાવી શકે અને સુંદર રીતે પોતાના જીવનને ઘડી શકે એ માટે જ આ ગુરુકુલની સ્થાપના છે.