ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સવોપરિ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં મુળ સ્થાને ઉપાસનાની સાથે પવિત્રતા અને ધર્મ  મર્યાદા રહેલી છે. આ બંને બાબતો યાવદચંદ્રદિવાકરૌ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જળવાયેલી રહે અને એ જ એની શોભા બની રહે તે માટે  ભગવાન સ્વામિનારાયણે સંતોને સંતોના પંચવર્તમાન અને હરિભકતોને હરિભકતોના પંચવર્તમાન આપ્યાં છે. ભગવાન સ્વામિનારાયણના આદર્શો, સિધ્ધાંતો અને અભિપ્રાયો મુજબ વર્તવું એ જ મોટામાં મોટી પ્રભુભકતિ છે.

ભગવાન સ્વામિનારાયણના આદર્શો, સિધ્ધાંતોમાં મુખ્ય સ્થાને બ્રહ્મચર્ય નિર્વાસનીકપણું રહેલું છે. શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણનાં 33મા વચનામૃતમાં પોતાની અંતર્ગત રૂચિ દર્શાવતા કહયું છે કે જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજારો ગાઉ છેટે જાઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે અમ પાસે રહે છે તોય પણ તે લાખો ગાઉ છેટે છે. ”

વળી, ગઢડા મધ્યના 50મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ કહે છે કે જે “ નિર્વાસનીક ભકત હોય તે જ અમને વ્હાલા છે એ અમારા અંતરનું રહસ્ય છે. ” શ્રીજી મહારાજ જ્યારે નીલકંઠવર્ણીરૂપે સૌ પ્રથમ લોજમાં પધાર્યા અને સદ્ગુરુ રામાનંદ સ્વામીના આશ્રમમાં  રોકાયા. એ સમયે આશ્રમની બાજુમાં એક વાળંદનું ઘર હતું. બંને ઘરની દિવાલ એક હતી તેથી આશ્રમનાં રસોડામાં એક ફાંકુ પાડવામાં આવેલું જયાંથી બાજુના ઘરના બાઈ સંતોને રોજ દેવતા આપતા. જેથી સંતોને તકલીફ ન પડે. આશય પવિત્ર હતો, છતાં દરેક સમય સરખો ન હોય આશ્રમની ભવિષ્યની પેઢી અને બાજુના ઘરની ભવિષ્યની પેઢી એક સરખી ન પણ હોય અને પરિણામે ધર્મમાં વિધ્ન આવે એ દ્રષ્ટીએ નીલકંઠવર્ણીએ સંતોને જણાવ્યું કે “ હે સંતો ! આ દિવાલમાં ફાંકુ નથી પણ ધર્મમાં ફાંકુ છે. ધર્મ તો શુધ્ધ અને પવિત્ર જોઈએ.” એમ રૂચિ જણાવી પોતાના સ્વહસ્તે  દિવાલમાં રહેલું ફાંકુ પુરાવ્યું.

બીજા દિવસે સદ્ગુરુ મુકતાનંદ સ્વામી આશ્રમની બાજુમાં આવેલા ડેલામાં ધર્મસભા માટે પધાર્યા. સભામાં બાઈઓ તથા ભાઈઓ  સાથે બેસી કથાવાર્તા સાંભળતા હતા. તે સમયે નિલકંઠવર્ણીએ સદ્ગુરુ મુકતાનંદ સ્વામીને જણાવ્યું કે, સ્વામી બાઈઓ અને ભાઈઓની સભા ભેગી રાખવાથી ધર્મ સચવાય નહિ. માટે બાઈઓની સભા અલગ કરો. અહીંયા પણ નિલકંઠવર્ણીનો સ્ત્રી-પુરૂષની મર્યાદા જાળવવાનો કેટલો બધો આગ્રહ દેખાય છે ! 

સદ્ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ધર્મધુરા  સોંપી અને શ્રીજી મહારાજે પોતાના શુધ્ધ, સર્વોપરિ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. શ્રીજી મહારાજ સમગ્ર સમાજને પોતાના આદર્શો અને સિધ્ધાંતો મુજબનું જીવન  જીવાડવા માંગતા હતા. તેથી એક વખત શ્રીજીમહારાજે સદુગુરૂ આત્માનંદ સ્વામીના સમયથી ચાલી આવતી ત્યાગી મહિલાઓ  અને સાધુઓના ભેળીહાળાની રીતને બદલવાનું નકકી કર્યું. હરબાઈ અને વાલબાઈને બોલાવીને શ્રીજીમહારાજે આજ્ઞા કરી કે, “ ત્યાગી સાધુ અને  ત્યાગી મહિલાઓનો જયાં ભેળીહાળો હોય ત્યાં ધર્મ યથાર્થ પળે નહિ. માટે આજથી તમે ત્યાગી સાધુઓના મંડળમાં ન રહેતા. તમારા ત્યાગી  મહિલાઓના જુદા મંડળ બનાવીને રહેજો અને ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ ત્યાગી મહિલાઓના  મંડળ જુદા થયા.

200 વર્ષથી શ્રીજીમહારાજનો એક સંકલ્પ વહી રહ્યો છે કે, અમારે તો અમારી આજ્ઞા અને ઉપાસનામાં ખબડદાર એવો મહિલા -પુરૂષનો દિવ્ય સમાજ રચવો છે ” એ દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવાનું બીડુ જાણે પ.પૂ.બાપજીએ જ ન જડપ્યું હોય કે શું ! તેવુ સ્પષ્ટ જણાય. શ્રીજી મહારાજના સંકલ્પમૂર્તિ સમા જીવનપ્રાણ અબજીબાપાશ્રીના જ સંકલ્પથી પ્રગટ થયેલા અને સદ્ગુરુ મુનિસ્વામી (અ.મુ.સદ્ગુરુ કેશવપ્રિયદાસજી સ્વામીશ્રી)ના અંતરનો ખુબ રાજીપો પ્રાપ્ત કરેલ એવા સાધુતાની મૂર્તિ સમા દિવ્ય સત્પુરુષ ગુરૂવર્ય પ.પૂ.બાપજી (અ.મુ. સદગુરૂ શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદથી SMVS સંસ્થામાં આજે પણ પૂ.જાગુબેનના સીધા નેતૃત્વ હેઠળ ત્યાગી મહિલામુક્તો શ્રીજી મહારાજે કરેલ આજ્ઞા મુજબ સંતોથી જુદા મંડળોમાં રહે છે. આ ત્યાગી મહિલામુક્તો મહિલા સમાજમાં વિવિધ આધ્યાત્મિક અને સ્સ્માજીક પ્રવૃતિઓ કરી રહ્યા છે. SMVS સંસ્થા ધ્વારા ત્યાગી મહિલામુક્તોને રહેવા માટે જુદા સ્થાનો (મંદિરો) છે. ત્યાગી મહિલામુક્તો માટે તૈયાર થતા આ સ્થાનોને (મંદિરો) ‘ભકિતનિવાસ’ના નામે ઓળખવામાં આવે છે.

આવા અલગ વિભાગ કરવા પાછળના આ રહ્યા શુભ હેતુઓ.  

  1. પુરુષ વર્ગની સાથે સાથે મહાપ્રભુના ભવ્ય સંકલ્પો સાકાર થાય તેવો કસરે રહિત દિવ્ય મહિલા સમાજ પણ તૈયાર થાય તે માટે.

  2. મહિલાઓની અલગ વ્યવસ્થા ધ્વારા સૌ સ્વતંત્ર રીતે પુભુના જ બળે પ્રભુના રાજીપાના પાત્ર બની શકે તે માટે.

  3. ત્યાગી અને ગૃહીમાં સ્ત્રી અને પુરૂષ બંને વર્ગ પોતપોતાના નિયમમાં ખબડદાર રહીને પોતાની મર્યાદામાં સદાય રહીને  મહાપ્રભુને અતિશય પ્રિય એવી પવિત્રતા-શુધ્ધતા જાળવીને  પ્રભુના રાજીપાવાળું  મર્યાદી જીવન જીવી શકે તે માટે.

  4. ભગવાન સ્વામિનારાયાણને રાજી કરી જ લેવા છે એવા એક માત્ર શુભ સંકલ્પથી પ્રભુને ગમે એવું દિવ્યજીવન જીવતો મહિલા સમાજ તૈયાર થાય.