સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓને એક આગવું સ્થાન આપીને સ્ત્રીઓનું ગૌરવ વધાર્યું છે અને એક આદરણીય સ્ટેજ આપ્યું છે. સમાજમાં એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓની અવગણના કરવામાં આવે છે, તેમનો તિરસ્કાર કરવામાં આવે છે. પરંતું ખરેખર એ તિરસ્કાર નહિ, મર્યાદા છે.
ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓ પ્રત્યે પવિત્ર દ્રષ્ટિએ, માનથી જોવાનો આદેશ આપ્યો છે. અનુભવી લેખકો પણ પોતાની કૃતિઓમાં આલેખે છે કે “ સ્ત્રીઓને સમાજમાં તથા સંપ્રદાયમાં ચોકકસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર સ્વામી સહજાનંદજી હતા.” કેવું સ્થાન છે આ સંપ્રદાયમાં સ્ત્રીઓને ? તેને આવો આપણે નિહાળીયે...

18 મી સદીના સમાજની અધોગતિનો આછો ચિતાર :

આજથી 225 વર્ષ પહેલાની 18મી સદી તરફ દ્રષ્ટિપાત કરતાં જણાશે કે, એ સમય એટલે સંપૂર્ણ અરાજકતાનો સમય. એ સમય એટલે વહેમ અને અંધશ્રધ્ધાનો સમય. એ સમય એટલે અનેક કુરીવજોનો સમય. બાળકીને જન્મ થતા જ દુધપીતી કરી દેવાની, દીકરી કે સ્ત્રી બિમાર પડે તો વળગાડ જ છે એમ સમજી ભુવા-ભરાડીના પંજામાં સપડાવી દેવાની અને રીબાવી-રીબાવીને મોતના મુખમાં ધકેલી દેવાની. બહેન-દીકરીઓ નિર્ભયતાથી જીવન જીવી જ ન શકે. નાની ઉંમરમાં પરણાવી દેવાની. વળી, નાની ઉંમરે પતિ સ્વધામ સિધાવે તો પરાણે સતી થવાની ફરજ પડે. આવા સમયમાં કન્યા-કેળવણીનો તો પ્રશ્ન જ કેવી રીતે આવે ? સાથે સાથે ધર્મના નામે અધર્મ, પાખંડ, દુરાચાર, અત્યાચાર ચલાવનાર બાવાઓનો ત્રાસ પણ અકલ્પ્ય પ્રમાણમાં વધી ગયો હતો. ન કરવાના અનેક ખરાબ કૃત્યો કરનાર આવા બાવાઓની હેરાનગતિના કારણે સ્ત્રીઓની ભારે અવદશા સર્જાઇ હતી.

સમાજમાં નવી જાગૃતિની જ્યોતિ જલાવનાર સહજાનંદરૂપી સૂર્યનુ પ્રાગટય :  

આવા અનાચારી,આસુરી મતિવાળા દુષ્ટ અસુરોના બેહદ ત્રાસથી સૌનું આલોક-પરલોકમાં રક્ષણ કરવા, હાથમાં શસ્ત્ર લીધા વગર અસુરોની આસુરી મતિઓને ટાળી સમાજમાં નવી જ્યોતિ જલાવનાર સહજાનંદરૂપી સુર્ય પ્રગટ થયા.

સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે “ લુબ્ધ થયેલા બ્રહ્મચર્યાશ્રમનું પુન:સ્થાપન કરનાર, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજજવળ કરનાર પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર એવા સહજાનંદસ્વામી હતા.”

મહાપ્રભુએ નાનકડી 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને 7 વર્ષના વનવિચરણ બાદ 18 વર્ષની ઉંમરે લોજ ગામમાં  સદ્ગુરુ રામાનંદસ્વામીના આશ્રમમાં સંતોની ધર્મ-નિયમની દ્રઢતા જોઇ પધાર્યા.એ સમયમાં સદ્ગુરુ રામાનંદસ્વામી વિચરણમાં પધાર્યા હતા. તેથી આશ્રમના મોટેરા સંત સદ્ગુરુ મુક્તાનંદસ્વામીની નિશ્રામાં સેવકભાવે રહેવા લાગ્યા. આમ છતાં મહાપ્રભુનો એક જ ઇશક હતો કે, હવે આવી ભયાનક ગંદકીમાં સપડાયેલા સમાજને નવી દિશા આપવી કે જેથી એક આદર્શ અને દિવ્ય સમાજ ઉભો થાય. કહેવત છે ને કે “ Charity begins at home ” એ ન્યાયે મહાપ્રભુએ આશ્રમથી જ આ કાર્ય નો આરંભ કર્યો. 

એ સમયે આશ્રમ અને બાજુમાં વાળંદના ઘર વચ્ચેની એક જ દિવાલમાં દેવતાની લેવડ-દેવડ માટે રાખેલુ ફાંકુ (બાકારુ) જોઇ દિર્ધદ્રષ્ય નીલકંઠવર્ણીએ તરત કહ્યું “ હે સંતો ! આ દિવાલમાં નહિ, ધર્મમાં ફાંકુ છે ” અને નિલકંઠવર્ણીએ તાત્કાલિક એ ફાંકુ પુરાવી દીધુ. વળી, એ સમયે બાઈઓ- ભાઈઓની ભેગી સભા ચાલતી હતી. તે પણ નીલકંઠવર્ણી એ બંધ કરાવી અને બાઇઓ-ભાઇઓની સભા જુદી કરવાનો મંગળ પ્રારંભ કરાવ્યો.  

આમ ભવિષ્યમાં એક આદર્શ સમાજ ઊભો થાય તેની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે 18 વર્ષની નાનકડી ઉમરે કરી દીધી. ત્યારબાદ ધર્મધુંરા સંભાળી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને પોતાના સંતોને માયાથી રહિત કરવા સ્ત્રી-દ્રવ્યના ત્યાગી  કર્યા તેમ જ અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય પાળવાના નિયમ આપ્યા.

ઘણાંને પ્રશ્ન થાય કે સ્વામિનારાયણના સંતોથી સ્ત્રીઓને દુર રાખીને સ્ત્રીઓનો તિરસ્કાર અને અપમાન નથી કર્યું? પરંતુ એ વખતના સમાજની પરિસ્થિતિ જોતા અને આજે પણ ધર્મના નામે અધર્મની પ્રવ્રુતિઓ ચાલવાની શક્યતા સવિશેષ છે. તે જોતા ભગવાન સ્વામિનારાયણે બાંધેલી આ સંયમની મર્યાદાની પાળ કેટલી બધી સુખકારી સાબિત થાય છે? જેમાં સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર નહિ,પરંતુ સ્ત્રીઓનું રક્ષણ અને કેવળ હિત જ સમાયેલું છે. 
મહાપ્રભુએ પોતાની સ્વમુખવાણી ગઢડા મધ્ય પ્રકરણના 35માં વચનામૃતમાં પણ પોતાની સ્પષ્ટ રૂચિ બતાવતાં જણાવ્યું છે કે, “જગતમાં એમ વાર્તા છે કે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગાં’ એ વાર્તા ખોટી છે. ગમે તેવો સમાધિનિષ્ટ પુરુષ હોય અથવા વિચારવાન હોય અને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો તેનો ધર્મ કોઈ રીતે રહે જ નહિ. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય અને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહિ. અને એવી રીતે સ્ત્રી-પુરુષનો પરસ્પર સહવાસ થાય અને એનો ધર્મ રહે એવી આશા તો રાખવી જ નહિ. ”       

શાસ્ત્રોમાં વ્યાસજી અને શિષ્ય જયમુનિનો પ્રંસગ બહુ પ્રચલિત છે. “ પોતાની મા-બેન કે દીકરી સાથે પણ એકાંત સ્થળને વિષે ન રહેવુ.”  આ લખાણ જ્યારે ગુરુ વ્યાસજી લખાવી રહ્યા હતા, ત્યારે તેમના વચનમાં જયમુનિને સંશય થયો “ ગુરુજી, આમ તે કંઈ હોતુ હશે?” ગુરુજી કહે“ અત્યારે લખાણની જગ્યા ખાલી રાખી દો.” અને એક દિવસ મધ્યરાત્રીએ વરસતા વરસાદમાં પોતાના બહેન આશ્રમમાં આવ્યા. રાત્રીના અંધકાર અને એકાંતમાં બહેનનું રૂપ નિહાળી જયમુનિનું મન બગડયું, ભાન ભુલ્યા. બહેન સમય સુચકતા વાપરી દોડયા. મનને વશ થયેલા જયમુનિ પોતાની જ બહેનની પાછળ દોડયા. દોડતાં-દોડતાં બહેનની જગ્યાએ જયમુનિએ જયાં પોતાના ગુરુજીને નિહાળ્યા અને ત્યાં તો છોભીલા પડી ગયા. વ્યાસજીએ બહેનરૂપે આવી, કરેલી પરીક્ષામાં જયમુનિ નાપાસ થયા.ગુરુજી કહે “ જયમુનિ ભૂલ થઇ તેનો કોઇ જ ક્ષોભ નથી પણ એટલું જ કહેવું છે કે, પેલો શ્લોક પુરો કરી દેજો. જયમુનિ વ્યાસ્જીના વચનમાં સંમત થઈ ગયા. 

કેવા-કેવાને કલંક લાગ્યા છે? શિવ, બ્રહ્મા, ઈન્દ્ર, ચંદ્ર, નારદ આદિક સ્ત્રીના રૂપમાં આસક્ત થઈ કામને પરાભવ પામ્યા છે. વળી, મોટા મોટા સોભરી, એકલશ્રુંગી, વિભાંડક, ચ્યવન, પરાશર આદિક ઋષિમુનીઓ કે જેઓના 60 વર્ષ સુંધીના તપ પર પાણી ફરી વળ્યા અને કામને પરાધિન થયા છે. માટે જ્યાં જ્યાં સ્ત્રી-પુરુષ ભેગા થાય ત્યાં આ અનર્થ સર્જાય જ. ઘી અને અગ્નિ ભેગા થાય ત્યાં ભડકો થાય જ . જેમ ગમે તેવું થીજેલું ઘી હોય પરંતુ એ ઘી જેમ જેમ અગ્નિની નજીક આવતું જાય એ ઓગળે જ. તેમ ગમે તેવો સિધ્ધ પુરુષ હોય કે ગમે તેવી વૈરાગ્યવાન સ્ત્રી હોય પરંતું જ્યાં સ્ત્રી અને પુરુષ ભેગા થાય છે ત્યાં એક બીજા માટેનું આકર્ષણ ઉદ્ભવ પામ્યા વિના રહેતું નથી. માટે જ શિક્ષાપત્રી શ્લોક 136માં પણ ભગવાન સ્વામિનારાયણે જણાવ્યું છે કે “ પોતાની મા-બહેન કે દીકરી સંગાથે પણ એકાંતમાં ન રહેવું ”

એ સમય તો અરાજકતાનો હતો જ. પરંતુ ભવિષ્યમાં પણ સમાજ સદાને માટે પવિત્ર રહે અને સૌનું જીવન પ્રભુ પરાયણ દિવ્યજીવન બને તે માટેની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયના આરંભથી જ કરી.

કિશોરલાલ મશરૂવાલા કહે છે કે, “ સહજાનંદસ્વામીએ સ્ત્રી-પુરૂષ વચ્ચેની મર્યાદાઓ ઘણી મજબુત કરી, પણ એથી સંપ્રદાયની અંદર તો સ્ત્રીજાતિ વધારે સુરક્ષિત બની. “ બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે.. ” એમાં સ્ત્રીજાતિ પ્રત્યે સૂગ વધ્યાનું કોઈને લાગશે, પણ એથી એમના  પ્રત્યેનો વિનય પણ વધ્યો. સહજાનંદસ્વામીના નિયમની પાછળ પુરુષોના બ્રહ્મચર્યની રક્ષાની ચિંતા હશે તે કરતાં સ્ત્રીઓની શીલની રક્ષાની વધારે ચિંતા હતી એમ જણાય છે. તે કાળના ધાર્મિક પંથોમાં પેઠેલા સડાઓના અનુભવમાંથી એમનાં આ બાબતનો આગ્રહ હતો.  સંપ્રદાયે વધારેલી સ્ત્રીજાતિની પ્રતિષ્ઠા અને કરેલી કદર એ એનો નવીન ફાળો છે. આજ સુધી જેટલા આદરથી એમના પુરૂષ મુકતોના નામ  લેવાયછે તેટલા જ આદરથી જીવુબા લાડુબા વગેરે સ્ત્રી મુકતોનો ઉલ્લેખ થાય છે.

સ્ત્રી સમાજના  હિતા અર્થે  ભગવાન સ્વામિનારાયણની  અસાધારણ  કરૂણા :

1
આગળ આપણે જોયુ તેમ 18મી સદીમાં સ્ત્રીઓની કેવી દુર્દશા હતી? આવા સમયે બાળકીને દુધપીતી કરવાનો રિવાજ, દહેજપ્રથા, સતી થવાનો રીવાજ વગેરે કુરિવજો સામે જબરજસ્ત જેહાદ જગાવવાની શરૂઆત જ  ભગવાન સ્વામિનારાયણે  કરી.
 
2
જયારે લોજમાં બાઈઓ અને ભાઈઓની સભા જુદી કરી ત્યારે નિલકંઠવર્ણીએ આદેશ આપ્યો કે “ ભાઈઓની સભામાં બાઈઓ જ ઉપદેશ આપે જો ઉપદેષ્ટા સ્ત્રીઓ બનેતો ભણતર ફરજીયાત બને. આમ, કન્યાકેળવણી સ્ત્રીઓ માટે જરૂરી છે તેવી દ્રષ્ટિ સમાજને આપી. સ્ત્રીઓ પ્રભુના બળે જરૂર આગળ વધી શકે તેવો આત્મવિશ્વાસ જન્માવ્યો. કન્યા કેળવણીની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે કરી પછી સરકારે કન્યા કેળવણીના પગલા શરૂ કર્યા. તેમાં પણ શિક્ષણ આપવામાં સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના બહેનો જ હતા.
 
3
ભગવાન સ્વામિનારાયણે મહિલાઓને એક આગવું સ્થાન આપવા મહિલાઓને ભગવાન ભજવા માટે જુદા મંદીરો, જુદા રસોડા,  જુદા ઉતારા, વળી સભા પણ જુદી કરી. શાસ્ત્રો એવું કહેછે કે પુરુષથી બ્રહ્મચર્ય પળાય, પણ સ્ત્રીઓથી ક્યારેય પળાય જ નહિ. આ અશક્યને સ્વામિનારાયણ ભગવાને પોતાના પ્રોઢ પ્રતાપે શક્ય કરી બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણના સમયમાં આવા અસંખ્ય ત્યાગી-ગૃહી મહિલાઓ હતા કે જેઓ અખંડ બ્રહ્મચર્ય પાળતાં અને આવા મહિલા સમાજમાં જીવુબા, લાડુબા, રાજબાઈ, રામબાઈ જેવા અણમોલ રત્નો સમાજને ભેટ આપ્યાં. જેમની દિવ્ય પ્રેરણાના બળે વર્તમાનકાળે પણ સંપ્રદાયમાં અસંખ્ય મહિલાઓ ભગવાનની આજ્ઞામાં રહીને તેમના રાજીપાના પાત્ર બને છે.
 
4
આ સિવાય શ્રીજી મહારાજે સ્ત્રી ઉત્કર્ષ માટે સદ્દગુરુ મુક્તાનંદ સ્વામી પાસે ‘સતી ગીતા’ નામનો ગ્રંથ કરાવી સ્ત્રી વર્ગને ખુબ પ્રોત્સાહન  આપ્યું છે.
 
5
પૂર્વે શાસ્ત્રોમાં એવું કહેવાતું કે, સ્ત્રીઓનું કલ્યાણ ના થાય. તે માટે તે ને પુરુષનો દેહ ધરવો પડે. આ માન્યતા ખોટી છે. એવા અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોજુદ છે કે ભગવાન સ્વામિનારાણે પોતાના આશ્રીત બાઈ-ભાઈ સૌને આત્યાંતિક કલ્યાણના કોલ દીધા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વિચરણ કરતા ભાલ પ્રદેશના સોઢી ગામે પધાર્યા ત્યારે મુસ્લીમ બાઈનો સંકલ્પ અંતર્યામીપણે જાણી સામેથી દાતણની સેવા લીધી અને સદ્ગુરુ મુકતાનંદ સ્વામી સાથે કલ્યાણના કોલ આપ્યાં. કૃપાનું દાન કરવાની ભગવાન સ્વામિનારાયણની કેવી અજબની રીત ! 
 
6

સર્વજીવ હિતાવહ ગ્રંથ ‘શિક્ષાપત્રી’માં પણ શ્રીજીમહારાજે સ્ત્રીઓના ધર્મ જુદા બનાવી સમાજમાં સ્ત્રીઓએ કેવી રીતે રહેવું અને  સમાજે પણ સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરવો તે બંને દિશા દર્શાવીને સ્ત્રીઓને આગવું મહત્વ આપ્યું છે. જો શ્રીજીમહારાજને સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર હોત તો સંપ્રદાયના મુખ્ય ગ્રંથ સમાન ‘શિક્ષાપત્રી’માં સ્ત્રીઓને મહત્વ શા માટે આપે ! જો ભગવાન સ્વામિનારાયણને સ્ત્રીઓ પ્રત્યે નફરત કે તિરસ્કાર હોત તો સ્ત્રી સમાજ માટે આવા વિશિષ્ટ કાર્યો કરીને સ્ત્રીઓનું રક્ષણ કરી સ્ત્રીઓને આગવું સ્થાન શા માટે આપે !

આમ, ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓનું અપમાન નહિ પણ શ્રેષ્ટ સન્માન કર્યું છે. ધર્મના નામે પાખંડ ન ચાલે તે માટે ભગવાન સ્વામિનારાયણે આવા ક્રાંતિકારી પગલા ભરીને એક આદર્શ, શુધ્ધ, પવિત્ર અને દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી સ્ત્રીઓને આગવું, ગૌરવવંતુ અને આદરણીય સ્થાન આપ્યું છે. જે સમગ્ર સ્ત્રીસમાજ માટે અતિ આનંદની વાત છે.

ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપીત કરેલી આ પરંપરાને આજે પણ SMVS  સંસ્થા અનુસરે છે. SMVS સંસ્થામાં પણ સ્ત્રી-પુરૂષની મર્યાદા અણીશુધ્ધપણે રાખવામાં આવે છે. તેમ છતાં સ્ત્રીઓ માટે તિરસ્કાર કે નફરત વલણ રાખવામાં આવતું નથી. સ્ત્રીઓને સત્સંગમાં એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ પુરૂષ હરીભકતોમાં સત્સંગ અને સંસ્કારનું પોષણ કરવા માટે બાળમંડળો, કશોરમંડળો, યુવકમંડળો ચાલુ છે. તેમ મહિલા સમાજ ને બળીયા રાખવા માટે પણ SMVS દ્રારા બાલિકામંડળો, યુવતિમંડળો, મહિલામંડળો  જેવી વિવિધ પ્રવુતિઓ ચાલે છે. આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદી સ્ત્રી પ્રત્યે તિરસ્કારની ભાવના પ્રગટાવવામાં આવી નથી. આજે પણ  SMVS સંસ્થા ભગવાન સ્વામિનારાયણે બાંધેલા રાહ ઉપર ગતિમાન છે.